: send direct message to facebook :


થોડા દિવસ પહેલાં જ ગુજરાત એટીએસ દ્વારા સુરત ખાતેથી બે આઇઆઇએસના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આતંકીઓ અમદાવાદમાં મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા. આ બે આંતકીઓમાંથી એક કાસીમની માતાએ જણાવ્યું હતું કે, કાસીમ આવી દેશદ્રોહી પ્રવૃત્તિમાં જોડાયો હોવાની તેમને જાણકારી નહોતી. કાસીમના પિતાનું કેન્સરની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. કાસીમે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના માતા લોકોના ઘરે કામ કરી તથા ટ્યૂશન કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતા અને આ જ રીતે કામ કરીને તેમણે કાસીમનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો હતો.
દેશ વિરોધી કામ કરતો હોવાની જાણ નહોતી
કાસીમની માતાએ કહ્યું હતું કે, કાસીમે કોઈ દિવસ ખબર જ નહોતી પડવા દીધી કે, તે આવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે. જો તેણે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો એ મોટો ગુનો કહેવાય. દેશ સાથે ગદ્દારી ન કરાય. મેં તો એને હંમેશા એવું જ શીખવાડ્યું હતું કે, ખોટા રસ્તે જવું નહીં અને અલ્લાહ વિરુદ્ધનું કામ કરવું નહીં. કાસીમ 12મી સપ્ટેમ્બરે અમદાવાદ ગયો હતો, ત્યારે પત્નીને કહ્યું હતું કે કામથી જાઉં છું.
ગુનેગારને સજા મળવી જોઇએ
તેમણે આગળ જણાવ્યું હતું કે, આતંકી ઉબેદ મિર્ઝા કોઇ દિવસ તેમના ઘરે આવ્યો નથી અને ના તો કાસીમે કોઇ દિવસ એના વિશે કોઇ વાત કરી છે. તેમણે ઉબેદને પ્રથમ વાર અંકલેશ્વર કોર્ટમાં જ જોયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા જે બે આતંકીઓની ધરપકડ થઇ હતી, તેમાં કાસીમ ઉપરાંત ઉબેદ મિર્ઝાનો પણ સમાવેશ થાય છે. આતંકી કાસીમના માતાએ અંતે માત્ર એટલું જ કહ્યું હતું કે, જો કાસીમ ગુનેગાર હોય તો તેને સજા મળવી જ જોઇએ.

Post a Comment

 
Top
Aapanu Gujarat