: send direct message to facebook :


કોંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું પણ આદિવાસી માટે અલગ મંત્રાલય ન બનાવ્યું, આદિવાસીઓ માટે ન અલગ બજેટ ન બનાવ્યું. અટલજીની સરકારમાં પહેલીવાર આ કામ ભાજપે કર્યું. અમારી સરકારે સંકલ્પ કર્યો છે કે અમે 4 કરોડ કુટુંબોને મફત વિજળી કનેક્શન આપીશું તેમ કહીને પીએમ મોદીએ આદિવાસીઓ માટે કેટલીક વિશેષ જાહેરાત કરતાં તેમને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ આઝાદી વખતે આદિવાસીઓએ બતાવેલા દેશ પ્રેમને યાદ કર્યો હતો. ગરીબોનો પરસેવો એજ અમારા માટે અમીરી છે તેમ કહ્યું હતું.
મારા જીવનમાં આ વિસ્તારનું વિશેષ મહત્વ છે તેમ કહીને પીએમ મોદી કોંગ્રેસ પર કટાક્ષ કરવાનું ચૂક્યા નહોતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ત્રણ દિવસથી વાવાઝોડું આવે છે આવે છે એમ કહેવાતું હતું. આવે છે આવે છે એનું એવું જ હોય.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના પડઘમ શાંત થવામાં છે ત્યારે પીએમ મોદીએ નેત્રંગમાં આદિવાસી વિસ્તારમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે આઝાદીના છ દાયકા પછી જ્યારે અટલ બિહારી વાજપેયીની ભાજપની સરકાર બની ત્યારે પહેલી વાર આદિવાસીઓનું અલગ મંત્રાલય બન્યું, અલગ બજેટ બન્યું. સેટેલાઈટની મદદથી આદિવાસીઓને જમીનનાં પટ્ટા આપ્યા. કોંગ્રેસ પાર્ટીએ 50 વર્ષ રાજ કર્યું પણ આ કામ કર્યું નહોતું. અમે કર્યું. દેશમાં કુલ 25 કરોડ ગરીબ કુટુંબો છે. 4 કરોડ કુટુંબોમાં વિજળી નથી. અમારી સરકારે સંકલ્પ કર્યો છે કે 4 કરોડ કુટુંબોને મફતમાં વિજળીનું કનેક્શન આપવામાં આવશે. 2019 પહેલાં મફત વીજ કનેક્શન આપી દેવાશે.
પીએમ મોદીએ આદિવાસીઓને બિરદાવતા આઝાદીના સમયે તેમણે દાખવેલા દેશપ્રેમને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં જ્યાં જ્યાં આદિવાસીઓએ આઝાદીની લડાઈ લડી છે એ બધા જ વીર આદિવાસીઓનું એક ભવ્ય મ્યુઝિયમ દરેક રાજ્યમાં બનાવવામાં આવશે, ગુજરાતમાં પણ બનાવવામાં આવશે. આ દેશના આદિવાસીઓએ 1857ના આઝાદીના આંદોલનમાં એટલી બધી લડત આપી છે કે અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. ગુરૂ ગોવિંદસિંહનું CM હતો ત્યારે સ્મારક બનાવ્યું. બિરસા મુંડાએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કેટલાંક લોકો એમ માને છે કે આઝાદીના આંદોલનમાં દેશને એક કુટુંબે જ આઝાદી અપાવી છે. તેમણે સરદાર  પટેલને ભૂલાવી દીધાં અને એમનું ચાલ્યું હોત તો ગાંધીજીને પણ ભૂલાવી દેત. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે. ગુજરાતની વિશેષતા છે કે બધાને ઓળખી જાય. જેમને પ્રાથમિક નોલેજ નથી એમને શું કહેવું ? કોંગ્રેસે ઈતિહાસને જમીનમાં ધરબાવી દીધો.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં બહું ચર્ચિત શિક્ષણનો મુદ્દો પણ આવરી લીધો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના વખાણ કરતાં કહ્યું હતું કે મારા ગુજરાતની દિકરીઓને શિક્ષા આપવાનું વચન મેં આપ્યું છે. દીકરીને ભણાવવાનાં વચનની મે ભિક્ષા માંગી હતી. કન્યા કેળવણીની શરૂઆત ડેડિયાપાડાથી જ કરી હતી. ગુજરાતમાં દીકરીઓના શિક્ષણ અને એમાં પણ ખાસ કરીને આદિવાસી દીકરીઓના શિક્ષણમાં સુધારો થયો છે. અમારી સરકાર ગરીબોના કલ્યાણને વરેલી સરકાર છે.
પીએમ મોદીએ ગરીબોને રિઝવવા પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 27 હજાર કરોડ ગરીબોને આપવાનું કામ કર્યુ. કુપોષણ સામે દૂધ સંજીવની યોજના શરૂ કરી. ગરીબોનો પરસેવો એજ અમારા માટે દેશની અમીરી છે અને અમીરી માટે અમે અમારી જાત ખપાવવા નિકળ્યા છીએ.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચાર માટે આજે નેત્રંગ પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદીએ ભાજપને જીતાડવા અપીલ કરી હતી.

Post a Comment

 
Top
Aapanu Gujarat