: send direct message to facebook :

રાજ્યમાં અનેક વખત જૂથ અથડામણના અહેવાલો મળતા હોય છે, ત્યારે ગઇકાલે રાત્રે એટલે કે ગુરુવારે મોડી સાંજે જૂનાગઢમાં જૂથ અથડામણ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 12થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ કાફલો ગામમાં આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, જૂનાગઢના માંગરોળના નાદરખી ગામે કોઇ કારણસર એક જ પરિવારના બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણ એટલી લોહિયાળ હતી કે તેમાં 1 વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે 12થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

ગામમાં બે જૂથો વચ્ચે મામલો વધુ વણસતા સ્થાનિક લોકોએ તાબડતોડ રીતે પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલો ગામમાં પહોંચ્યો હતો, અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, એક પરિવારના બે જૂથો જમીન બાબતે આમને સામને આવી ગયા હતા.
તમને જણાવી દઇએ કે, મંગળવારે પણ ભાવનગર પાસે પાલીતાણા નજીક વીરપુર ગામ આવેલું છે, જ્યાં મોડી રાત્રે બે પરિવારો વચ્ચે કોઇ વાતને લઇને જૂથ અથડામણ થઇ હતી. આ ઘટનામાં જાણવા મળે છે કે વીરપુર માજી સરપંચ સાથે જૂની કોઇ વાતને લઇને અથડામણ થઇ હતી. સૂત્રો કહી રહ્યા છે કે ગાડી પાર્કિંગ બાબતે માથાકૂટ થતાં બન્ને જૂથો આમને સામને આવી ગયા હતા.

Post a Comment

 
Top
Aapanu Gujarat